ભૂમિપુત્ર વિશે

ભૂમિપુત્ર - જીવતી જબાન અને જલતા અંગારા

ભૂમિપુત્રનો જન્મ

વિનોબાજીની ભૂદાન યાત્રામાં નારાયણ દેસાઈ નામનો 27 વર્ષનો યુવક સાત દિવસ યાત્રામાં રહ્યો અને વિનોબાજીનો થઈ ગયો. પદયાત્રામાંથી પાછા ફરીને આ યુવાને તો ગુજરાતમાં પોતે જ ચાલવા માંડ્યું. લોકો તરફથી કલ્પ્યો ન હોય તેવો પ્રતિસાદ મળતો ગયો. આ ઘટનાનો બીજો પ્રતિસાદ મળ્યો, દિલ્હીથી. પ્રબોધ ચોકસી નામનો લગભગ નારાયણ દેસાઈની જ ઉંમરનો જુવાનિયો, જેણે પણ બાપુના આશ્રમનો ધબકાર ઝીલ્યો હતો. તેને થયું કે પદયાત્રા એકલા પગ (= પદ)થી જ શું કામ ચાલે? તે શબ્દ (= પદ)થી પણ ચાલવી જોઈએ! અને એમ શબ્દ-યાત્રા માટે ‘ભૂમિપુત્ર’નો જન્મ થયો. વિનોબાજીની યાત્રા દરમ્યાન બનેલી ગુજરાત ભૂદાન સમિતિના પખવાડિક તરીકે ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું મુખપત્ર બન્યું ‘ભૂમિપુત્ર’! પ્રથમ અંકનું પ્રકાશન જાણીતા કાર્યકર ભાઈદાસભાઈ પરીખે યજ્ઞ પ્રકાશન સમિતિ વતી અમદાવાદથી કર્યું! તે દિવસ હતો - તા. 11મી સપ્ટેમ્બર, 1953! વિનોબાજીનો 58મો જન્મદિન (ભૂમિ જયંતી)! પાછળથી યજ્ઞ પ્રકાશન સમિતિને ગુજરાત સર્વોદય મંડળના નેજા હેઠળની બનાવી દેવાઈ!

ભૂમિપુત્રની નિસ્બત

ગાંધી, વિનોબા, જયપ્રકાશ નારાયણના વિચારો ઉપરાંત અધ્યાત્મ અને જીવન-વિકાસ, પર્યાવરણ જાગૃતિ અને ખેતી, લોકનીતિ અને લોક આંદોલન, સ્વયંપોષી વિકાસ, આરોગ્ય, સામાજિક સૌહાર્દ અને કોમી એખલાસ, માનવકેન્દ્રી વિજ્ઞાન અને માનવીય ટેક્નોલોજી, સ્થાનિક અને વૈશ્વિક પ્રવાહો, બુનિયાદી કેળવણી, નાગરિક ધર્મ, સાહિત્ય અને કળા જેવા વિષયો ઉપર વ્યક્તિગત અને સામાજિક જીવનને ઉન્નત બનાવતા લેખો તે પ્રકાશિત કરે છે.

નિષ્પક્ષ અને નીડર

જયજગતની ભાવના સાથે વિશ્વભરનાં ઉત્તમ વિચારો અને કાર્યોની વાતો પણ તેમાં આવરી લેવાય છે. સાત દાયકા વટાવીને સાંપ્રત સમય સાથે તાલ મિલાવતી આ અખંડ વિચાર-પ્રસારયાત્રા તેના નિષ્પક્ષ અને નીડર પત્રકારત્વને કારણે ગુજરાતના શિરમોર વિચારપત્રોમાં વિશેષ સ્થાન ધરાવે છે. 1975-78ના કટોકટીકાળમાં આકરી સેન્સરશીપ વખતે તેના પ્રેસ પર ત્રણ ત્રણ વખત સીલ લાગ્યું તો પણ ‘ભૂમિપુત્ર’એ કવિ મકરંદ દવેના શબ્દોમાં “જબાન જીવતી અને અંગારા જલતા” રાખ્યા હતા! 1992 કે 2002નાં કોમી તોફાનો વખતે પણ ‘ભૂમિપુત્ર’એ સર્વોદયના વિચારને અનુકૂળ સ્વસ્થ અને નરવું ચિંતન સમાજ સમક્ષ મૂકવાનું યજ્ઞકાર્ય નિભાવ્યું હતું.

યજ્ઞ પ્રકાશન સમિતિ

યજ્ઞ પ્રકાશન એક મૂલ્યનિષ્ઠ, આગવી ભૂમિકા ધરાવતું અને અહિંસક સમાજ-રચના માટે ન્યાય, સમાનતા અને બંધુતાને વરેલ પ્રકાશનગૃહ છે. જળ-જંગલ-જમીન આધારિત જીવનશૈલી સામેના વૈશ્વિક પડકારોના જવાબ શોધવા તેમજ આવતી પેઢીની ચિંતા કરતાં સ્વયંપોષી વિકાસનું દિશાસૂચન કરતાં પ્રકાશનો તે કરે છે. છેલ્લા સાત દાયકામાં તે કુલ 400 જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરી ચૂક્યું છે.

ગુજરાત સર્વોદય મંડળ

ગુજરાત સર્વોદય મંડળ સર્વોદય સમાજરચના માટે આજીવન મથનારા કાર્યકરોની એક બિરાદરી છે. 1951માં ભૂદાન આંદોલન થકી સર્વોદયની દિશામાં આગળ વધવા રાષ્ટ્રના ફલક પર એક સગુણ-સાકાર પ્રયોગ થયો, જેની વિશ્વભરમાં નોંધ લેવાઈ! તે પછી જુદાં જુદાં રાજ્યોમાં સર્વોદય મંડળની રચના થઈ અને 1959માં ગુજરાત સર્વોદય મંડળ અસ્તિત્વમાં આવ્યું. ભૂદાન-ગ્રામદાન ઉપરાંત, શાંતિસેના અને જયપ્રકાશજીએ શરૂ કરેલ સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાં પણ મંડળે ભાગ લીધો. સમાજના વિવિધ પ્રશ્નો, ઘટનાઓ અને પ્રવાહોમાં આ મંડળ સર્વોદયની દૃષ્ટિએ યથાશક્તિ ભૂમિકા ભજવતું રહ્યું છે. જરૂર પડે સેવા અને રાહતકામો પણ તે કરતું આવ્યું છે. તેના કાર્યકરોએ કેટલાક પ્રસંગોએ સત્યાગ્રહ પણ કર્યા અને જેલવાસ પણ ભોગવ્યો છે!

ઓલમ્પિક ટોર્ચ

વિનોબાજી કહેતા કે “‘ભૂમિપુત્ર’માં નવી નવી વ્યક્તિઓ આવતી રહેશે અને તે દરેકના વ્યક્તિત્વના પુટ ‘ભૂમિપુત્ર’ને ચઢતા રહેશે. આ તો ઓલમ્પિક ટોર્ચને એક હાથમાંથી બીજા હાથમાં સોંપતાં જવા જેવું છે. ‘ભૂમિપુત્ર’ની પદ (શબ્દ)યાત્રા, સમાજને એનો ખપ હોય ત્યાં સુધી, અખંડ ચાલતી રહેશે!”